10 નવેમ્બરના વિશ્વ જાહેર પરિવહન દિવસ છે. રોજે રોજ પરિવહન સેવામાં પરિવર્તન આવી રહ્યા છે. જેના કારણે ખખડતી બસ, તૂટેલી બારીઓ અને રૂમાલ મૂકીને જગ્યા રોકવી એ દિવસો એસ.ટી.નો ભૂતકાળ બની ગયો છે. GSRTC ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી બની રહી છે. સલામત સવારી એસ.ટી. અમારીના સ્લોગન સાથે ચાલતી એસ.ટી. બસમાં રોજના લાખોની સંખ્યામાં મુસાફરો પ્રવાસ કરે છે.
8,320 બસ દ્વારા 42,083 ટ્રિપથી 34 લાખ 52 હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છે. જેમાં 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ સહિત કુલ 27.18 લાખ મુસાફરો એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. અને સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે, જે ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે. એસટી નિગમના 16 ડિવિઝન, 125 બસ ડેપો, 151 બસ સ્ટેશન અને 1554 જેટલા પીકઅપ સ્ટેન્ડ છે. ગુજરાતના 18,367 ગામડાઓનો પરિવહન પ્રાણ છે. રોજના 10 લાખ યુઝર્સ GSRTCની ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરે છે. તેમજ GSRTC એ BS-VI એમિશન નોર્મ્સ અનુસરતી 3800 બસ કાર્યરત કરનારું દેશનું પહેલું સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ છે.
એસટી બસમાં રોજના 27.18 લાખ મુસાફરો મુસાફરી કરે છે. પરંતુ બસ પર ક્યાંથી ક્યાં જઈ રહી છે તેનું બોર્ડ હોય છે. તે સિવાય પણ બસ ઉપર આશ્રમ, અમૂલ, કચ્છ, વિશ્વામિત્રી જેવા નામ લખેલા હોય છે. બસમાં પ્રવાસ કરનાર લોકોને પણ ખબર નહીં હોય કે આ નામ શા માટે લખવામાં આવે છે.
એસટી નિગમના 16 ડિવિઝન છે. અને 16 ડિવિઝનની બસ પર અલગ અલગ નામ લખવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ ડિવિઝનની બસ હોય તો આશ્રમ લખેલું હશે. નડિયાદ ડિવિઝનની બસો પર અમુલ લખવામાં આવ્યું છે. ભુજ ડિવિઝનની બસ પર કચ્છ, વડોદરા ડિવિઝનની બસ પર વિશ્વામિત્રી, ભરૂચ ડિવિઝનની બસ નર્મદા, સુરતની બસ પર સુર્યનગરી, વલસાડ ડિવિઝનની બસ દમણગંગા, ગોધરા વિભાગની બસ પર પાવાગઢ, હિંમતનગર વિભાગની બસ પર સાબર, મહેસાણા વિભાગની બસ પર મોઢેરા, પાલનપુર ડિવિઝનની બસ પર બનાસ, રાજકોટ ડિવિઝનની બસ પર સૌરાષ્ટ્ર, ભાવનગર ડિવિઝનની બસ પર શેત્રુંજય, અમરેલી ડિવિઝનની બસ પર ગીર, જૂનાગઢ ડિવિઝનની બસ પર સોમનાથ, અને જામનગર ડિવિઝનની બસ પર દ્વારકા લખવામાં આવ્યું છે.
એટલે નદી, મંદિર અથવા તો જે તે વિસ્તારનું પ્રસિદ્ધ નામ હોય તે લખવામાં આવે છે. જેના કારણે એક ડિવિઝનમાંથી બીજા ડિવિઝનમાં બસ જાય ત્યારે બસ પરના નામ પરથી જાણી શકાય છે કે કયા વિભાગની બસ છે. જેથી મુસાફરોને પણ સરળતા રહે છે.